વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ફરી એકવાર વિવાદમાં આવી છે. આર્ટસ ફેકલ્ટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર હરકત અને કિસિંગ સીનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શૈક્ષણિક આલમમાં ભારે હડકંપ મચી ગયો છે. હાલમાં આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષાઓ ચાલી રહી છે, તેવામાં જ આ શરમજનક ઘટના સામે આવતાં યુનિવર્સિટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને વાયરલ વીડિયોમાં દેખાતા 31 નંબરના રૂમને તાળાં મારીને બંધ કરી દેવામાં આવ્યો છે.

આઈકાર્ડ ચેકિંગ સઘન બનાવાયું, સુરક્ષામાં વધારો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સિક્યોરિટી દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં આવતા-જતા તમામ વિદ્યાર્થીઓના આઈડી કાર્ડ (ID Card) નું સઘન વેરિફિકેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આઈકાર્ડ વગર કોઈ પણ વ્યક્તિને ફેકલ્ટી પરિસરમાં પ્રવેશવા દેવામાં આવી રહ્યા નથી. પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓની પણ કડક ચકાસણી કરવામાં આવી રહી છે જેથી પરિસરમાં કોઈ અજાણી કે અસામાજિક વ્યક્તિ પ્રવેશ ન કરી શકે.

https://x.com/sandeshnews/status/2098330075678867561?s=20

દોષિતોને યુનિવર્સિટીમાંથી બેદખલ કરવા માંગ

વિદ્યાધામમાં બનેલી આ ઘટનાને પગલે સામાન્ય વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવતાં જણાવ્યું હતું કે, અમારા માતા-પિતા મોંઘવારીના સમયમાં પીસાઈને અમારી ફી ભરે છે, તેથી શિક્ષણના ધામમાં માત્ર શિક્ષણ જ થવું જોઈએ. આવી હરકતો કરવા માટે અન્ય અનેક જગ્યાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી તંત્ર પાસે આકરી માગ કરી છે કે આવી હરકત કરનાર જવાબદારોને યુનિવર્સિટીમાંથી તાત્કાલિક અસરથી બેદખલ કરવામાં આવે.

આ પણ વાંચો : Ahmedabad ESIC હોસ્પિટલમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, ACBએ 4 આરોપીઓને રૂ.21.57 લાખની લાંચ સાથે ઝડપ્યા