અમદાવાદના બાપુનગર ખાતે આવેલી ESIC મોડલ સરકારી હોસ્પિટલમાં કરાર આધારિત પેરામેડિકલ સ્ટાફની ભરતીમાં ચાલી રહેલા મોટા લાંચિયા કૌભાંડનો એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં અંદાજે 70 જેટલા વિવિધ પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવા માટે સિક્યોરશિલ્ડ સિક્યોરિટી પ્રાઈવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ ભરતી પ્રક્રિયા દરમિયાન નોકરી વાંછુકો પાસેથી મોટો વહિવટ ચાલતો હોવાની વિગતો સામે આવતાં જ ACB ની ટીમે દરોડો પાડીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
બે મહિનાનો પગાર લાંચ પેટે વસૂલાતો
ACB ની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ નોકરી આપવાના બદલામાં ઉમેદવારો પાસે તેમની બે મહિનાની સેલેરી જેટલી રકમ લાંચ પેટે પરાણે મેળવતા હતા. એટલું જ નહીં, પકડાવાના ડરથી તેઓ ઉમેદવારો પાસે 'અગાઉ લાંચ પેટે કોઈ રકમ આપેલી નથી' તેવા પ્રકારના ફોર્મ પર પહેલેથી જ સહીઓ કરાવી લેતા હતા. ACB એ સફળ ઓપરેશન પાર પાડીને આરોપીઓ પાસેથી લાંચ પેટે એકત્ર કરવામાં આવેલા રૂ. 21,57,000/- ની માતબર રોકડ રકમ કબ્જે કરી છે.
