ભાવનગરના ચર્ચિત લઠ્ઠાકાંડમાં કથિત સંડોવણી બદલ ઝડપાયેલા પોલીસ કર્મચારી રાજદીપસિંહ ગોહિલને રિમાન્ડ પૂર્ણ થતાં આખરે જેલ હવાલે કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ભાવનગર કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. સનેસ પોલીસ મથક અને એએસપી સ્ક્વોડમાં ફરજ બજાવતા રાજદીપસિંહની આ કાંડમાં સંડોવણી ખુલતાં જ એસએમસી દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.

મુખ્ય આરોપી સાથે ટેલિફોનિક સંપર્કનો ખુલાસો

પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે પોલીસ કર્મચારી રાજદીપસિંહે અનેક વખત ટેલિફોનિક વાતચીત કરી હોવાનું કોલ ડિટેલ્સ એનાલિસિસમાં સ્પષ્ટ થયું હતું. કાયદાનું રક્ષણ કરવા માટે તૈનાત ખાખી વર્ધીધારી જ લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સાથે સંપર્કમાં હોવાનું સાબિત થતાં એસએમસીએ કડક કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી હતી.

14 લોકોના મોત, તમામ 40 આરોપીઓ જેલના સળિયા પાછળ

ઉલ્લેખનીય છે કે ભાવનગરના આ કરુણ લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂ પીવાના કારણે અત્યાર સુધીમાં કુલ 14 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ ચકચારી કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને સ્થાનિક તંત્ર દ્વારા સઘન તપાસ ચલાવીને ઘટનામાં સામેલ તમામ 40 દોષીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આખરે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Surat News : JBM ને રૂ.21 કરોડ અને હંસા ટ્રાવેલ્સને રૂ.50 લાખનો દંડ! BRTS એજન્સીઓ સામે લાલ આંખ