સુરત શહેરમાં જાહેર પરિવહન સેવા એવી BRTS બસોના સંચાલનમાં ચાલતી ગંભીર બેદરકારી સામે સુરત મહાનગરપાલિકા (SMC) એ આકરું વલણ અપનાવ્યું છે. બસ સમયસર ન ચાલવી, નિયત ટ્રીપો કરતાં ઓછી ટ્રીપ મારવી અને વારંવાર થતા બ્રેકડાઉનને કારણે મુસાફરોને ભારે આર્થિક અને સમયની હાલાકી ભોગવવી પડતી હતી. આ મામલે સતત ફરિયાદો મળતાં ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ તાત્કાલિક ધોરણે એક્શન મોડમાં આવીને બસ સંચાલક એજન્સીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

JBM, હંસા ટ્રાવેલ્સ અને ઇવે ટ્રાન્સને કરોડોના દંડની નોટિસ

મનપાના ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢા દ્વારા નિયમોનો અનાદર કરનારી ત્રણ મુખ્ય ઓપરેટર એજન્સીઓને કારણ દર્શક (Show Cause) નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સૌથી મોટી કાર્યવાહી કરતા JBM એજન્સીને રૂ. 21 કરોડના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત હંસા ટ્રાવેલ્સ એજન્સીને રૂ. 50 લાખ અને ઇવે ટ્રાન્સ એજન્સીને રૂ. 1.90 લાખના દંડની નોટિસ પાઠવી જવાબ તલબ કરવામાં આવ્યો છે.

લોકોની હાલાકી દૂર કરવા તંત્ર કટિબદ્ધ, કડક ચેતવણી

સુરત શહેરના લાખો નાગરિકો દૈનિક ધોરણે BRTS સેવાઓનો ઉપયોગ કરે છે. એજન્સીઓની ઘોર બેદરકારીના કારણે સવાર-સાંજ નોકરી-ધંધે જતા સામાન્ય મુસાફરો અટવાઈ પડતા હતા. મનપા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં પણ જો બસ સેવાઓના સંચાલનમાં આવી બેદરકારી કે ખામી જોવા મળશે તો આનાથી પણ વધુ કડક પગલાં લેવામાં આવશે, જેથી નાગરિકોને સુવ્યવસ્થિત અને સમયસર પરિવહન સેવા મળી રહે.

આ પણ વાંચો : Bank Strike : 5-ડે વર્કિંગ માટે બેન્ક કર્મચારીઓનો હલ્લાબોલ, ગુજરાતમાં રૂ.15,000 કરોડના વ્યવહારો થંભ્યા, ગ્રાહકો હેરાન