અમદાવાદના શીલજ કેનાલ રોડ પર પુરઝડપે બાઈક ચલાવી નવપરિણીત મહિલા નિશીનું કરૂણ મોત નીપજાવનાર આરોપી બાઈક ચાલક સુનિલ પરમારની બોપલ પોલીસે ધરપકડ કરી લીધી છે. અકસ્માત સર્જ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે રાજસ્થાન ભાગી છૂટ્યો હતો. બોપલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અકસ્માતના ચાર દિવસ બાદ આરોપી સુનિલ પરમારને રાજસ્થાનના ડુંગરપુર ખાતેથી દબોચી લીધો છે.
પતિની ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પોલીસ એક્શનમાં
આ દર્દનાક દુર્ઘટનામાં પત્ની નિશીને ગુમાવનાર પતિ હાર્દિક દરજીએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી હતી. આરોપી પકડાતો ન હોવાથી ન્યાયની ગુહાર લગાવતી આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને તંત્ર પર વહેલી તકે આરોપીને ઝડપી પાડવાનું દબાણ વધ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુનિલ પરમાર અમદાવાદમાં ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો અને અકસ્માતના દિવસે પોતાના મિત્ર સાથે બાઈક પર સવાર થઈને બેફામ સ્પીડે વાહન હંકારી રહ્યો હતો.
