અમદાવાદ શહેરમાં ધાર્મિક કાર્યમાં દાન આપવાના નામે એક વેપારી સાથે રૂ. 21.79 લાખની મોટી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સણસણતો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજે પોતાની ઓળખ પાલડી ખાતે આવેલા જાણીતા જૈન ઉપાશ્રયમાંથી બોલતા હોવાની આપી હતી. ધાર્મિક કાર્ય માટે દાનની જરૂરિયાત હોવાનું કહીને વેપારીને વિશ્વાસમાં લીધા હતા અને તબક્કાવાર રીતે કુલ રૂ. 21 લાખ 79 હજારની મોટી રકમ પડાવી લીધી હતી.

તેજસ શાહ નામના શખ્સ સામે ફરિયાદ

આ સમગ્ર છેતરપિંડી મામલે ઠગાઈનો ભોગ બનેલા વેપારીને જ્યારે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો, ત્યારે તેમણે તુરંત જ પોલીસનો સંપર્ક કર્યો હતો. બનાવ અંગે અમદાવાદના આનંદનગર પોલીસ મથકમાં તેજસ શાહ નામના શખ્સ સામે વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી તેજસ શાહને ઝડપી પાડવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે.

ધર્મના નામે છેતરપિંડી કરતી ટોળકીથી સાવચેત રહેવા પોલીસની અપીલ

અમદાવાદ શહેરમાં ધાર્મિક ભાવનાઓનો દુરુપયોગ કરીને વેપારીઓ અને નાગરિકોને નિશાન બનાવતી આવી ઘટનાઓ વધતાં ચકચાર મચી ગઈ છે. આનંદનગર પોલીસે આ મામલે નાણાકીય લેવડદેવડ અને બેંક એકાઉન્ટ્સની વિગતો મેળવીને આરોપીનું લોકેશન શોધવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે કોઈપણ ઉપાશ્રય કે ધાર્મિક સંસ્થાના નામે આવતા અજાણ્યા કોલ પર નાણાં ટ્રાન્સફર કરતાં પહેલાં રૂબરૂ ચકાસણી અવશ્ય કરવી.

આ પણ વાંચો : Surat News : ઉધનામાં ‘PUMA’ બ્રાન્ડના ડુપ્લિકેટ બૂટ-ચંપલ વેચતું મોટું રેકેટ પકડાયું, CID ક્રાઇમના દરોડામાં 3 વેપારીઓ દબોચાયા!