અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી માત્ર 1 માસના માસુમ બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સઘન તપાસ હાથ ધરી માત્ર 14 કલાકના ટૂંકા ગાળામાં બાળકને સુરક્ષિત શોધી કાઢી તેના માતા-પિતાને સોંપી દીધું છે. પોલીસે આ બાળક તસ્કરીના કારસામાં સામેલ એક યુવતી સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે.
જીનલ અને પ્રવીણ યાદવ સહિત 3 બાળતસ્કરોની ધરપકડ
સાબરમતી વિસ્તારમાંથી બાળકનું અપહરણ કર્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી જીનલ, પ્રવીણ યાદવ સહિત 3 લોકોની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી 1 માસનું બાળક હેમખેમ મળી આવતાં જ પોલીસે તાત્કાલિક બાળકને તેના વાલીઓને સુપ્રત કરી દીધું હતું, જેથી પરિવારમાં હરખના આંસુ છવાયા હતા.
