અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચે કડક રૂખ અપનાવ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે મોટો સપાટો બોલાવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો દ્વારા એકસાથે 35 થી વધુ હોટલો અને ગેસ્ટ હાઉસ પર તપાસ અને દરોડા નું વિશાળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસની આ અણધારી અને વ્યાપક કાર્યવાહીથી હોટલ સંચાલકો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
50 થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત
આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હોટલોમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી 50 થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ નેટવર્કમાં પશ્ચિમ બંગાળ તેમજ સરહદ પારથી ગેરકાયદે રીતે આવેલી બાંગ્લાદેશી મહિલાઓ પણ મોટા પ્રમાણમાં સામેલ છે. ખાસ કરીને જશોદાનગર, નરોડા અને CTM-બાપુનગર વિસ્તાર ની હોટલો પોલીસના મુખ્ય રડાર પર હતી, જ્યાં લાંબા સમયથી આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી.
