અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમની એક અત્યંત ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. સાયબર ઠગોએ એક નાગરિકને લગ્નનું આમંત્રણ આપવાના બહાને મોબાઈલ પર એક એપીકે (APK) ફાઈલ મોકલી હતી. ફરિયાદીએ આ ફાઈલને લગ્નની ડિજિટલ કંકુતરી સમજીને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધી હતી, જેના પરિણામે તેઓ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા.
બેંક એકાઉન્ટમાંથી રૂ.15.45 લાખ ગાયબ, મોબાઈલ થયો હેક
જેવી જ ફરિયાદીએ પોતાના ફોનમાં એપીકે ફાઈલ ઈન્સ્ટોલ કરી કે તુરંત જ સાયબર ઠગોએ તેમના મોબાઈલનો તમામ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ફરિયાદી કઈ સમજે તે પહેલા જ તેમના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે કુલ રૂ. 15 લાખ 45 હજારની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. બેંકમાંથી નાણાં ઉપડી ગયાના મેસેજ આવતાં જ ફરિયાદીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
