અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી પ્રગતિ સ્કૂલમાં શિક્ષણ જગતને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. શાળાના કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ મોકલવાના ગંભીર આક્ષેપો થતાં સમગ્ર શાળા પરિવાર અને વાલીઓમાં ભારે અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
નકલી ઈન્સ્ટાગ્રામ ID બનાવી છેલ્લા 6 મહિનાથી મોકલતો હતો મેસેજ
મળતી વિગતો અનુસાર, આરોપ હેઠળ આવેલા કોમ્પ્યુટર શિક્ષકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક નકલી (ફેક) ID બનાવી હતી. આ નકલી IDના માધ્યમથી તે શાળાની ધોરણ 10ની સગીર વિદ્યાર્થિનીને છેલ્લા 6 મહિનાથી સતત અશ્લીલ અને આપત્તિજનક મેસેજો મોકલીને માનસિક રીતે પરેશાન કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીએ આ અંગે પરિવારજનોને જાણ કરતાં સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો.
