સુરેન્દ્રનગર શહેરમાં જીમની આડમાં યુવતીઓ સાથે આચરવામાં આવતા ગંભીર બ્લેકમેલિંગ ષડયંત્રનો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ટીબી હોસ્પિટલ રોડ અને 80 ફૂટ રોડ પર આવેલા ‘ક્લબ 71’ નામના બે જીમ તેમજ એક ઓફિસ સામે પોલીસે કડક આકરી કાર્યવાહી કરી છે. સ્થાનિક નગરપાલિકા અને PGVCL ની ટીમને સાથે રાખીને પોલીસે બંને જીમ અને ઓફિસને સીલ મારી દીધા છે તેમજ સ્થળ પરનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે. આ સમગ્ર કાંડના મુખ્ય સૂત્રધાર અને જીમ સંચાલક અમીન મુલતાનીની પોલીસે અટકાયત કરી લીધી છે.
યુવતીઓને બ્લેકમેલ કરવાનો આક્ષેપ, ડિજિટલ પુરાવા કબજે
મળતી પ્રાથમિક વિગતો મુજબ, જીમ સંચાલક અમીન મુલતાની સામે આક્ષેપ છે કે તે જીમમાં આવતી યુવતીઓ સાથે સંબંધ કેળવીને તેમની નજીક આવતો હતો અને ત્યારબાદ તેમના અંગત ફોટા તથા વીડિયો બનાવી લેતો હતો. આ ફોટો-વીડિયોના આધારે યુવતીઓને બ્લેકમેલ કરીને વધુ યુવતીઓ સુધી પહોંચવાનું એક મોટું નેટવર્ક કે રેકેટ ચલાવવામાં આવતું હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીના વોટ્સએપ ચેટ, પેનડ્રાઈવ અને જીમમાં મુકેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના મહત્ત્વના ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે.
