અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની અને ફેમસ થવાની ઘેલછામાં યુવાનો પોતાના અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના જગતપુર રોડ પર જાહેર રસ્તા વચ્ચે એક કાર દ્વારા જોખમી સ્ટંટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકોની અવરજવર વચ્ચે આ પ્રકારે સ્ટંટબાજી કરાતાં અન્ય વાહનચાલકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

નંબર પ્લેટ વગરની ગાડીના દરવાજા ખોલી જોખમી ખેલ

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટંટબાજો નંબર પ્લેટ વગરની કાર લઈને રસ્તા પર નીકળ્યા હતા. ચાલુ કારે દરવાજા ખુલ્લા રાખીને જોખમી રીતે ગાડી હંકારીને સ્ટંટ કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવીને સોશિયલ મીડિયા પર માત્ર લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવા માટે આ વીડિયો શૂટ કરીને અપલોડ કરવામાં આવ્યો હતો. નંબર પ્લેટ ન હોવાથી કારચાલકો પોલીસની પકડથી બચવાનો પણ પ્રયાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

સ્ટંટબાજો સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહીની ઉગ્ર માગ

જાહેર રસ્તા પર આ પ્રકારે થતી સ્ટંટબાજીના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય અથવા નિર્દોષ વાહનચાલકનો જીવ જાય તેવી પૂરતી શક્યતાઓ રહેલી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સ્થાનિક રહીશો અને અન્ય વાહનચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે પોલીસ સીસીટીવી કેમેરા અને વાયરલ વીડિયોના આધારે કાર અને સ્ટંટ કરનારા યુવકોને તાત્કાલિક ઝડપી પાડીને દાખલારૂપ કડક કાનૂની કાર્યવાહી કરે જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

આ પણ વાંચો : Gandhinagar News: અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓ માટે 80 કરોડના ખર્ચે અત્યાધુનિક યાત્રી નિવાસ બનશે