અમદાવાદ શહેરના ભાડજ વિસ્તારમાં આવેલા સુપર સિટી રોડ પર ‘ધ વિન્ટેજ બ્રુ કાફે’માં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચલાવવામાં આવતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સોલા હાઈકોર્ટ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આ કાફેમાં હર્બલ ફ્લેવરના બહાને યુવાનોને નિકોટિનયુક્ત તમાકુવાળા હાનિકારક હુક્કા પીવડાવવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને કાફેમાં આકસ્મિક દરોડો પાડ્યો હતો.
નિકોટિનયુક્ત હુક્કા અને સામગ્રી જપ્ત, સંચાલકની અટકાયત
દરોડા દરમિયાન પોલીસે કાફેમાંથી 7 હુક્કા, 7 ફિલ્ટર, વિવિધ ફ્લેવરના ડબ્બા સહિત કુલ રૂ. 6,020નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ કાફે હર્ષ ચેતનભાઈ પટેલ (ઉંમર 27) અને તેનો ભાગીદાર વિશાલ રબારી ભાડે રાખીને ચલાવતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કાફેના સંચાલક હર્ષ પટેલની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
