વાવ-થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આગામી ત્રણ દિવસ માટે પાણીનો કાપ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. થરાદથી નીકળતી મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ અંગે સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.
ગામડાના તળાવો ભરવાની કામગીરીના કારણે લેવાયો નિર્ણય
નર્મદા વિભાગના જણાવ્યા અનુસાર, વાવ-થરાદ વિસ્તારના ગામડાઓના તળાવો સુધી પાણી પહોંચાડવાની અગત્યની કામગીરી તેમજ અન્ય જરૂરી મરામત અને નિભાવણીના કામો હાથ ધરવામાં આવ્યા છે. આ કામગીરી સુચારુ રૂપે પૂર્ણ થઈ શકે તે માટે કેનાલમાં પાણીનો પ્રવાહ નિયંત્રિત કરવામાં આવ્યો છે. જોકે, હાલની સ્થિતિએ વિસ્તારના કોઈપણ ગામમાં પીવાના કે વપરાશના પાણીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ નથી.
