રાજ્યભરમાં ચોમાસાની સિઝન બરાબરની જામી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી અગમચેતી વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં એકસાથે લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિત રાજ્યના લગભગ બે ડઝન (24) જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત દેશના અન્ય 6 રાજ્યો મળીને કુલ 7 રાજ્યોમાં પણ ભારે વરસાદની તાકીદ કરવામાં આવી છે.
8 કલાકમાં 222 તાલુકામાં ધમાકેદાર વરસાદ
આજરોજ વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 222 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ શહેર અને અરવલ્લીના મેઘરજમાં 2.87 ઈંચ ખાબક્યો છે. આ સિવાય સાબરકાંઠાના તલોદમાં 2.52 ઈંચ, નર્મદાના ડેડિયાપાડા અને અરવલ્લીના મોડાસામાં 2.36 ઈંચ, મહીસાગરના કડાણામાં 2.24 ઈંચ અને સંતરામપુરમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે.

