અમદાવાદ શહેરના અતિ વ્યસ્ત અને ધમધમતા લાલદરવાજા વિસ્તારમાં સામાન્ય તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, લાલદરવાજા ખાતે વાહન ખસેડવા કે રસ્તો કરવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાયેલા 12 જેટલા શખ્સોએ ભેગા મળીને કાકા અને ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. દિવસના સમયે બનેલી આ ઘટનાના કારણે લાલદરવાજા વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ, પોલીસે 12 સામે રાયોટિંગનો ગુનો નોંધી 6 ને ઝડપ્યા
આ હુમલાની સમગ્ર સનસનીખેજ ઘટના આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે, જેમાં હુમલાખોરોની બેફામ દાદાગીરી જોવા મળી રહી છે. આ બનાવ અંગે ભોગ બનનાર દ્વારા ત્વરિત પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવતા કારંજ પોલીસે ગંભીરતા દાખવી હતી. પોલીસે કુલ 12 નામજોગ હુમલાખોરો સામે રાયોટિંગ, મારામારી અને ગુનાહિત પરેશાની સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
