અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા ડ્રગ્સ તસ્કરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીઆરઆઈ (DRI - ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) અમદાવાદ ઝોનલ યુનિટને મળેલી ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ પર એક શંકાસ્પદ પેસેન્જરને અટકાવવામાં આવ્યો હતો. વિદેશથી આવી રહેલા આ યુગાન્ડાના નાગરિકની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન તેની પાસેથી લાખો રૂપિયાની કિંમતનો પ્રતિબંધિત નશીલો પદાર્થ મળી આવ્યો હતો, જેનાથી એરપોર્ટ પર ભારે ચકચાર મચી ગઈ હતી.

ટ્રોલી બેગના હેન્ડલ અને પ્લાસ્ટિક સપોર્ટ પાર્ટ્સમાં છુપાવ્યું હતું કોકેઈન

પેસેન્જરના સામાનની ઝીણવટભરી તપાસ કરતાં DRI ના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આરોપીએ ડ્રગ્સ છુપાવવા માટે અનોખી ચાલબાજી અપનાવી હતી અને પોતાની ટ્રોલી બેગના હેન્ડલ તેમજ પ્લાસ્ટિકના સપોર્ટ પાર્ટ્સની અંદર કુશળતાપૂર્વક કોકેઈન ભરીને લાવ્યો હતો. અધિકારીઓએ બેગને તોડીને અંદરથી કુલ 981 ગ્રામ જેટલો કિંમતી કોકેઈનનો જથ્થો બહાર કાઢ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી રહી છે, જે તસ્કરોની ચાલાક મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરે છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી DRI દ્વારા ઇન્ટરનેશનલ નેટવર્ક અંગે સઘન તપાસ શરૂ

આ મામલે DRI દ્વારા કડક કાર્યવાહી કરતા યુગાન્ડાના નાગરિકની ધરપકડ કરી લેવામાં આવી છે અને જપ્ત કરાયેલ કોકેઈનનો જથ્થો NDPS એક્ટ (નરકોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ) હેઠળ કબ્જે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો કોને આપવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ સાથે ગુજરાત કે અન્ય રાજ્યોમાં કોણ-કોણ જોડાયેલું છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વિદેશી તસ્કરીના આ મોટા નેટવર્કને તોડી પાડવા માટે એજન્સી દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Amreliના વડિયામાં રોગચાળો વકર્યો, ઘેર ઘેર માંદગીના ખાટલા, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની ભારે ભીડ