અમદાવાદ શહેરના થલતેજ ચાર રસ્તા પાસે બનેલા હૃદયદ્રાવક અકસ્માતના કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં 11 વર્ષીય માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસની સઘન તપાસ દરમિયાન માલૂમ પડ્યું છે કે કાળ બનીને આવેલો ડમ્પર ચાલક ડ્રાઇવિંગ લાઇસન્સ વગર જ રોડ પર બેફામ રીતે આ તોતિંગ વાહન ચલાવી રહ્યો હતો. ચાલકની આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ પોલીસે ચાલકની સાથે સાથે ડમ્પરના માલિક સામે પણ કાયદેસરની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ જ કિલર ડમ્પરે એપ્રિલ માસમાં ગોતા બ્રિજ પર 2 લોકોનો ભોગ લીધો હતો
આ કેસની વધુ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આ જ કિલર ડમ્પરે ભૂતકાળમાં પણ બે લોકોનો જીવ લીધો હતો. ચાલુ વર્ષના એપ્રિલ માસ દરમિયાન આ જ ડમ્પરે અમદાવાદના ગોતા બ્રિજ પર ભયાનક અકસ્માત સર્જ્યો હતો, જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આટલી મોટી હોનારત સર્જાયા છતાં ડમ્પર માલિક દ્વારા કોઈ બોધપાઠ લીધા વગર અને કોઈપણ જાતના ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના ચાલકને ફરી વાહન સોંપી દેવામાં આવ્યું હતું, જેના પરિણામે થલતેજ ખાતે વધુ એક માસૂમ બાળકીની જિંદગી હોમાઈ ગઈ છે.
