અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક અત્યંત ચોંકાવનારી અને પોલીસ વિભાગની છબીને ખરડતી ઘટના સામે આવી છે. વિદેશ જવા માટે એરપોર્ટ પર આવેલા એક NRI યુવક અને એરપોર્ટ કર્મચારીઓ વચ્ચે ફ્લાઇટ છૂટી જવાના મુદ્દે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલે આદિત્ય નામના શખ્સ દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર મામલો થાળે પાડવા માટે કેસ એરપોર્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી.

પોલીસ સ્ટેશનમાં માતાએ ફોટો પાડતા ASI વિફર્યા

આરોપ મુજબ, જ્યારે આદિત્ય અને તેની માતા પોલીસ સ્ટેશનની અંદર હાજર હતા, તે દરમિયાન તેમની માતા દ્વારા સમગ્ર પરિસ્થિતિનો મોબાઈલથી ફોટો પાડવામાં આવી રહ્યો હતો. આ બાબતથી એરપોર્ટ પોલીસ સ્ટેશનના ASI એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે તેઓ તુરંત જ વિફરી પડ્યા હતા અને ગેરવર્તણૂક શરૂ કરી દીધી હતી. ASIએ ઉશ્કેરાઈને યુવકની માતાના હાથમાંથી ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને પરિવારને ડરાવવા તથા ધમકી આપવા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

લાફો માર્યા બાદ કોલર પકડ્યા હોવાનો આદિત્યનો ASI પર આરોપ

પરિસ્થિતિ વધુ તંગ બનતા ASIની દાદાગીરી હદ વટાવી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પીડિત NRI યુવક આદિત્યના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પોલીસના ASIએ ઉશ્કેરાટમાં આવીને તેને જાહેરમાં લાફો મારી દીધો હતો અને ત્યારબાદ તેના કોલર પણ પકડી લીધા હતા. પોલીસ સ્ટેશનની અંદર જ એક નાગરિક સાથે આ પ્રકારની હિંસક અને મનમાનીભરી વર્તણૂક થવાને કારણે મુસાફરો અને સ્થાનિક સ્તરે ભારે રોષ ફેલાયો છે. આ ગંભીર આક્ષેપો બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ આ મામલે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ડિજિટલ અરેસ્ટ જેવી ઠગાઈ, PM આવાસ યોજનાની APK ફાઇલ મોકલી વૃદ્ધ સાથે 20 લાખથી વધુની છેતરપિંડી!