અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે એક મોટી સફળ રેડ કરી છે. થાઇલેન્ડના બેંગકોકથી થાઇ એરવેઝની ફ્લાઇટ નંબર TG-343 મારફતે અમદાવાદ પહોંચેલા એક દંપતીની શંકાસ્પદ હિલચાલ પર અધિકારીઓની નજર પડી હતી. કસ્ટમ્સ વિભાગે પેસેન્જર પ્રોફાઇલિંગ અને બેગેજના એક્સ-રે સ્કેનિંગ કરતા સમયે ટ્રોલી બેગમાં કંઇક અસામાન્ય પદાર્થ હોવાની આશંકા થઈ હતી.
ટ્રોલી બેગમાં ફેક લેયર બનાવી છુપાવ્યા હતા 10 વેક્યૂમ પેકેટ
અધિકારીઓએ શંકાના આધારે દંપતીને અટકાવી તેમના સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, તેમણે ટ્રોલી બેગની અંદર ખાસ પ્રકારનું 'ફેક લેયર' એટલે ચોર ખાનું બનાવ્યું હતું. દંપતીની બે ટ્રોલી બેગમાંથી કસ્ટમ્સને કુલ 10 વેક્યૂમ સીલ્ડ પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટ્સને એવી રીતે પેક કરવામાં આવ્યા હતા, જેથી અંદરની ગંધ બહાર ન આવે.
1928 ગ્રામ હાઇડ્રોપોનિક્સ મેરિજુઆના જપ્ત કરાયો
તમામ પેકેટોને ખોલીને તપાસતા પારદર્શક પોલિથીન બેગ્સમાંથી લીલા રંગનો સુકાઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ અને ફિલ્ડ ટેસ્ટિંગ કિટ દ્વારા ચકાસણી કરતા આ પદાર્થ ઉચ્ચ ગુણવત્તા ધરાવતો 'હાઇડ્રોપોનિક્સ મેરિજુઆના' એટલે કે ગાંજો હોવાનું સામે આવ્યું હતું. કસ્ટમ્સ ટીમે બેગમાંથી કુલ 1928 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે.
NDPS એક્ટ હેઠળ દંપતીની ધરપકડ, વધુ તપાસ તેજ
અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે આ સમગ્ર નશીલા પદાર્થનો જથ્થો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ જપ્ત કરી લીધો છે. આ સાથે જ બેંગકોકથી નશીલા પદાર્થની તસ્કરી કરીને લાવનાર દંપતીની તુરંત જ ધરપકડ કરવામાં આવી છે. આ ગાંજો અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો અને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટમાં અન્ય કોણ સામેલ છે, તે દિશામાં કસ્ટમ્સ વિભાગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો - Gujarat Weather Update: રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય હોવા છતાં ભારે વરસાદની શક્યતા નહિવત, હવામાન વિભાગની નીરાશાજનક આગાહી