અમદાવાદ શહેર એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે ગુનાખોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના ભાગરૂપે એક સફળ દરોડો પાડ્યો છે. એરપોર્ટ પોલીસની હદમાં આવેલી ભીલવાસ પાણીની ટાંકી પાસે, ઝુલેલાલ ચાલી નજીક એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર પોલીસે અચાનક ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો. આ કામગીરી દરમિયાન સ્થળ પરથી જુગાર રમતા 8 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
રૂ. 3.92 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી દાવ પર મૂકેલા કુલ રૂ. 1,62,400 ની રોકડ રકમ જપ્ત કરી છે. આ ઉપરાંત જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતી દાણા (ડાઇસ) ની 2 કુકી, રૂ. 80,000 ની કિંમતના 8 મોબાઈલ ફોન અને રૂ. 1.50 લાખની કિંમતના 3 ટુ-વ્હીલર વાહનો પણ કબ્જે કરવામાં આવ્યા છે. આમ, એરપોર્ટ પોલીસે કુલ રૂ. 3,92,400 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
