અમદાવાદ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર ઇન્વર્ટર આપવાના બહાને એક વેપારી સાથે 1.46 કરોડથી વધુ રકમની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બાપુનગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીની રાજકોટથી અટકાયત કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનું વચન આપીને વિશ્વાસમાં લીધા
મળતી વિગતો મુજબ, આરોપીએ ફરિયાદી વેપારીને સોલાર ઇન્વર્ટર સપ્લાય કરવાનું વચન આપીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બેંક ટ્રાન્સફર મારફતે બે તબક્કામાં કુલ 1,46,73,913 રુપિયા મેળવી લીધા હતા, જેમાં પ્રથમ વખત રુપિયા 56,38,957 અને બીજી વખત રુપિયા 90,34,956 ટ્રાન્સફર કરાવ્યા હતા. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીએ ફેક ઇન્વોઇસ અને ઈ-વે બિલ બનાવીને વેપારીને મોકલી આપ્યા હતા, પરંતુ જે-તે સમયે માલની ડિલિવરી કરી ન હતી.
