અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસને આજે મહત્વની સફળતા મળી છે. ACP L ડિવિઝન ડી.વી. રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક બાળકીઓ મિસ્ટી અને રાહાના વિસેરા સેમ્પલનો ફોરેન્સિક (FSL) રિપોર્ટ આજે પોલીસને પ્રાપ્ત થયો છે.
ડૉક્ટરોનો અંતિમ અભિપ્રાય બાકી
ACP રાણાએ સ્પષ્ટતા કરી હતી કે, જોકે FSL રિપોર્ટ આવી ગયો છે, પરંતુ 'કોઝ ઓફ ડેથ' (મૃત્યુનું ચોક્કસ કારણ) હજુ સુધી ફાઈનલ થયું નથી. નિયમ મુજબ, ફોરેન્સિક સાયન્સ લેબનો રિપોર્ટ હવે તે ડૉક્ટરોની પેનલને મોકલવામાં આવ્યો છે જેમણે બાળકીઓનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. આ ડૉક્ટરો વિસેરા રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ પોતાનો અંતિમ અભિપ્રાય આપશે કે બાળકીઓના મોત ઝેરી અસરને કારણે થયા હતા કે અન્ય કોઈ કારણોસર.












