અમદાવાદના ગાત્રાળ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગના મામલે પોલીસે કાયદાનો કોરડો વીંઝ્યો છે. આ ગંભીર અકસ્માત અને સુરક્ષાની ઘોર બેદરકારી મામલે રામોલ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ફેક્ટરીના માલિક મેહુલ ડોડીયા સહિત કુલ 3 વ્યક્તિઓની અટકાયત કરી લીધી છે. રહેણાંક કે ઔદ્યોગિક વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાયદાકીય પાઠ ભણાવવા માટે પોલીસે આ ત્વરિત કાર્યવાહી કરી છે.

ભયાનક આગમાં 9ના મોત

ઘટનાની વિગતો મુજબ, ગાત્રાળ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક ફાટી નીકળેલી પ્રચંડ આગને કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે બ્લાસ્ટના અવાજો દૂર-દૂર સુધી સંભળાયા હતા. જેમાં 10ના મોત થયા હતા અને 10થી વધુ ઇજાગ્રસ્ત થયા છે.

મેહુલ ડોડીયા અને તેના અન્ય બે સાગરીતોની અટકાયત

પોલીસે ફેક્ટરીના સંચાલકો સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં જ મુખ્ય આરોપી મેહુલ ડોડીયા અને તેના અન્ય બે સાગરીતોને દબોચી લીધા છે. 

https://x.com/sandeshnews/status/2078443206937821659  


જરૂરી ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં

પોલીસ હાલમાં એ દિશામાં ઊંડી તપાસ ચલાવી રહી છે કે આ ફટાકડાની ફેક્ટરી પાસે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો હતા કે નહીં, તેમજ ફેક્ટરી મંજૂરી સાથે ચાલતી હતી કે ગેરકાયદેસર રીતે ધમધમતી હતી. ફેક્ટરીમાં ફટાકડાનો કેટલો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો તેની પણ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ઉપરાંત લાયસન્સ રદ થયું હતું તો કેમ ફેકટ્રી ચલાવાતી હતી અને અન્ય કોણ કોણ સંડોવાયેલું છે.

આરોપીઓની કડક પૂછપરછ શરૂ

પકડાયેલા ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં તેમની સત્તાવાર ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન અને ફેક્ટરી ચલાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન 

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, આ ગંભીર દુર્ઘટના અંગે તપાસની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળે ઝીણવટભરી તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ અકસ્માત માટે જવાબદાર તેમજ ગેરકાયદેસર કામગીરી કરનારા શખ્સોની અટકાયત પણ કરી લેવામાં આવી છે. DyCM હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટના મુદ્દે એક ઉચ્ચ સ્તરીય રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી છે અને આ સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ સમગ્ર મામલે વધુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. 


આ પણ વાંચો  :  Ahmedabad Fire: મોતની ફટાકડા ફેક્ટરી, ભીષણ બ્લાસ્ટમાં 10 જીવતા ભૂંજાયા, લાયસન્સ રદ હોવા છતાં કોના આશીર્વાદથી ચાલતું હતું પાપનું સામ્રાજ્ય?, Video