ગુજરાતમાં વધુ એક વખત નિર્દોષ નાગરિકોના લોહીથી સરકારી તંત્રની બેદરકારીના હાથ ખરડાયા છે. અમદાવાદના ગત્રાડ રોડ પર આવેલી મહેમુદપુરાની 'ટેલેન્ટ ફટાકડા ફેક્ટરી'માં બપોરે 3:30 વાગ્યે લાગેલી ભીષણ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ કાળઝાળ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. RMO દ્વારા આ અકસ્માતમાં 10 લોકોના સત્તાવાર મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

બપોરે 3:30 વાગ્યે સર્જાયો કાળોકેર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે ફેક્ટરીની અંદર એક જોરદાર ધડાકો થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે આજુબાજુનો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની ચપેટમાં આવી ગઈ હતી. અંદર કામ કરી રહેલા મજૂરોને બહાર નીકળવાની તક પણ ન મળી. ફેક્ટરીમાંથી કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા અને ચારેય તરફ કાયરરૂપી ચીસાચીસ ગુંજી ઉઠી હતી.

ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ સાથે જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા.

મોતનો સોદાગર મેહુલ ડોડિયા ફરાર

આ સમગ્ર કાળી કરતૂત પાછળ મેહુલ ડોડિયા નામના શખ્સનું નામ સામે આવ્યું છે, જે આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો હતો. દુર્ઘટના સર્જાતા જ નિર્દોષોને મરવા માટે છોડીને આરોપી મેહુલ ડોડિયા સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો છે. અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મુખ્ય સૂત્રધાર એવા આરોપી મેહુલ ડોડિયાને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે અને તેને પકડવા માટે અલગ-અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે.

મોટો ખુલાસો: લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી હતી 'મોતની ફેક્ટરી'

આ દુર્ઘટનામાં સૌથી ચોંકાવનારો અને વહીવટી તંત્રની પોલ ખોલતો ખુલાસો એ થયો છે કે, આ ફટાકડા ફેક્ટરીનું લાયસન્સ અગાઉ જ રદ કરી દેવામાં આવ્યું હતું! લાયસન્સ રદ હોવા છતાં રહેણાંક અને ગ્રામ્ય વિસ્તારની નજીક આટલી મોટી ફેક્ટરી ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી અને તેમાં વિસ્ફોટક સામગ્રીનો જથ્થો ખડકાયેલો હતો. હવે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લાયસન્સ રદ થયું હોવા છતાં આ ફેક્ટરી કોની નજર હેઠળ અને કોના આશીર્વાદથી ચાલી રહી હતી? 10 ગરીબ અને નિર્દોષ મજૂરોના મોતનો જવાબદાર મેહુલ ડોડિયા તો છે જ, પણ તેની પાછળ કયા સ્થાપિત હિતો અને મોટા માથાઓનો હાથ છે તે તપાસનો વિષય છે. શું સ્થાનિક વહીવટી તંત્ર આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી અજાણ હતું?

https://x.com/sandeshnews/status/2078443206937821659 


તંત્ર સામે જનતાના આક્રોશભર્યા સવાલો

ગુજરાતમાં અવારનવાર આવી અગ્નિકાંડની ઘટનાઓ બને છે, તપાસના આદેશો અપાય છે, પણ પરિણામ શૂન્ય આવે છે. ગત્રાડ રોડની આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે:

શું આવી જીવલેણ અને જોખમી ફેક્ટરીઓની ક્યારેય પ્રોપર ઓડિટ કે યોગ્ય તપાસ થાય છે ખરી?

આ ફટાકડા ફેક્ટરીમાં કામ કરતા મજૂરો માટે સુરક્ષાના પૂરતા સાધનો ઉપલબ્ધ હતા કે કેમ?

શું ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની એનઓસી હતી? જો યોગ્ય ફાયર સેફ્ટી હોત તો આટલા મોટા પાયે મોત કેમ થયા?

શું સરકારી અધિકારીઓ હંમેશાં કોઈ મોટી દુર્ઘટના ઘટે અને નિર્દોષોના જીવ જાય તેની જ રાહ જોતા હોય છે?

ખેડામાં અગાઉ થયેલી આવી જ મોટી દુર્ઘટના બાદ પણ તંત્રએ કેમ કોઈ બોધપાઠ ન લીધો?

માત્ર દેખાડા પૂરતી તપાસ બંધ કરો!

જ્યારે પણ કોઈ મોટો અકસ્માત થાય છે ત્યારે સરકાર અને સ્થાનિક તંત્ર જાગી જવાનો ઢોંગ કરે છે. રાજ્યભરની ફેક્ટરીઓમાં તપાસના નામે માત્ર 'દેખાડો' કરવામાં આવે છે અને થોડા દિવસો પછી પરિસ્થિતિ ફરી 'જૈસે થે' થઈ જાય છે. જો ખેડાની દુર્ઘટના બાદ ખરેખર કડક પગલાં લેવાયા હોત અને તમામ ગેરકાયદે એકમો બંધ કરાવાયા હોત, તો આજે અમદાવાદના ગત્રાડ રોડ પર 10 પરિવારોએ પોતાના સ્વજન ગુમાવવાનો વારો ન આવ્યો હોત. જનતા હવે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ પર આક્રોશ ઠાલવી રહી છે કે માત્ર નાના કર્મચારીઓ કે માલિકો સામે જ નહીં, પરંતુ હપ્તાખોરી કરીને ગેરકાયદે ફેક્ટરીઓ ચલાવવાની મંજૂરી આપનારા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ સાદો મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. ફેક્ટરીના લાયસન્સ અને તેની પાછળના રાજકીય કે વહીવટી પીઠબળની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થાય તેવી લોકમાંગ ઉઠી છે. 


આ પણ વાંચો  :   Ahmedabad: પ્યાર કી કોઈ ઉંમર નહીં, 61 વર્ષીય પત્નીને પ્રેમ થતાં પુરાવા ભેગા કરવા પતિ પોતે જ બન્યો ‘જાસૂસ’!