કહેવાય છે ને કે ‘પ્યાર કી કોઈ ઉંમર નહીં હોતી’! અમદાવાદમાં આ કહેવતને ચરિતાર્થ કરતો પરંતુ અત્યંત ચોંકાવનારો અને ફિલ્મી ડ્રામા જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 61 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ થતાં તેના પતિના જીવ પર જોખમ ઊભું થયું છે.
પતિએ પોતે જ ‘જાસૂસ’ બનવું પડ્યું
પત્ની અને તેના પ્રેમીના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને પોતાના જીવની રક્ષા કરવા માટે પતિએ પોતે જ ‘જાસૂસ’ બનવું પડ્યું છે. આ અનોખા કિસ્સાની ચર્ચા હાલ સમગ્ર શહેરમાં જોરશોરથી ચાલી રહી છે.
પત્નીના પ્રેમસંબંધો અને ધમકીઓ સામે લડાઈ
મળતી વિગતો અનુસાર, અમદાવાદના એક વરિષ્ઠ નાગરિકે પોતાની પત્નીના પ્રેમસંબંધો અને ત્યારબાદ મળતી ધમકીઓ સામે અનોખી લડાઈ શરૂ કરી છે. પત્નીના પ્રેમી તરફથી જીવનું જોખમ હોવાના આક્ષેપ સાથે પતિએ બંનેની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.
ઓડિયો ડિજિટલ પુરાવાઓ ભેગા કર્યા
જાસૂસ બનીને આ પીડિત પતિએ પોતાની હોશિયારીથી પત્ની અને તેના પ્રેમી વચ્ચેની વાતચીતના કથિત ઓડિયો રેકોર્ડિંગ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓ ગુપ્ત રીતે ભેગા કરી લીધા હતા. આ ઓડિયોમાં પતિને રસ્તામાંથી હટાવી દેવા અથવા મારી નાખવાની ધમકીઓ હોવાનો દાવો પણ પતિ દ્વારા કરાયો છે.
સજ્જડ ઓડિયો પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા
પોતાના જીવને બચાવવા અને ન્યાય મેળવવા માટે પતિએ આ તમામ સજ્જડ ઓડિયો પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આધેડ વયે પ્રેમ, ધમકી અને જાસૂસીના આ અજીબોગરીબ કિસ્સાને જોઈને કોર્ટ પણ ચોંકી ઉઠી હતી.
સાયબર ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તપાસ કરવાનો આદેશ
કોર્ટે આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાનો કડક આદેશ આપ્યો છે. આ સાથે જ અદાલતે સાયબર ક્રાઈમને આગામી ૩૦ દિવસની અંદર આ રેકોર્ડિંગ્સની સત્યતા તપાસીને વિગતવાર અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. હવે આ પ્રેમ અને જાસૂસીની આખી કહાની કાનૂની ચોપડે ચડી છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : રેલવે ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ, દેશની પ્રથમ ‘હાઇડ્રોજન ટ્રેન’આજથી દોડશે, વાંચો આ ટ્રેન કઇ રીતે ચાલે છે અને તેના ફાયદા- ગેરફાયદા