ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરમાંથી સિનિયર સિટીઝન (Senior Citizens) અને વૃદ્ધ નાગરિકોને નિશાન બનાવતી ગેંગનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસની ખોટી ઓળખ આપીને વૃદ્ધ નાગરિકોને ડરાવી-ધમકાવી તેમના ખિસ્સામાંથી રૂપિયા પડાવતા શખ્સને ક્રાઈમ બ્રાન્ચે બાપુનગર પોસ્ટ ઓફિસ (Bapunagar Post Office) પાસેથી ઝડપી પાડ્યો છે, જેની ઓળખ મોહમ્મદ શાહરૂખ અંસારી (Mohammad Shahrukh Ansari) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓ રાત્રિના સમયે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા હતા અને શહેરકોટડા (Shaherkotda) વિસ્તારમાં 60 વર્ષીય વૃદ્ધ તથા તેમના મિત્ર પાસેથી રૂ. 9 હજાર પડાવી લીધા હતા.

રૂ. 89,500 નો મુદ્દામાલ જપ્ત, સાથી ફરાર

ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા આરોપી પાસેથી રોકડ, મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા (Autorickshaw) સહિત કુલ રૂ. 89,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે આરોપીનો સાથી સરફરાજ ઉર્ફે બડી મલાઈ (Sarfaraj alias Badi Malai) હાલ ફરાર હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. આરોપીની પૂછપરછમાં અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં ચોરી અને લૂંટના અન્ય ગુનાઓની પણ કબૂલાત સામે આવી છે. તપાસમાં મણિનગર (Maninagar), ગોમતીપુર (Gomtipur), સિવિલ હોસ્પિટલ (Civil Hospital), નરોડા (Naroda) અને સોનીની ચાલી (Soni Ni Chali) સહિતના વિસ્તારોમાં ગુનાઓ આચર્યા હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી

પકડાયેલા આરોપી મોહમ્મદ શાહરૂખ અંસારી સામે અગાઉ પણ ચોરી, લૂંટ અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વૃદ્ધ નાગરિકોની લાચારી અને રાત્રિના સમયે પોલીસની ઓળખનો દુરુપયોગ કરીને આ પ્રકારે લૂંટ ચલાવવાની ઘટનાઓ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ફરાર સાથીને ઝડપી પાડવા તેમજ અન્ય ગુનાઓની કડીઓ જોડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat News : માત્ર 40 મિનિટમાં પાંચ લૂંટને અંજામ આપનાર ટોળકીનો સફાયો, મુદ્દામાલ જપ્ત, ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસ શરૂ