અમદાવાદ શહેરમાંથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા હાથ ધરવામાં આવેલી ઓપરેશનલ કાર્યવાહીમાં આ ગેરકાયદેસર કોલ સેન્ટરના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2૦2૪થી સક્રિય રહીને આ સિન્ડિકેટ દ્વારા અમેરિકાના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી રહી હતી, જેને લઈને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.
FTC અને CISAના અધિકારી બનીને VoIP કોલ દ્વારા આચરતા હતા ઠગાઈ
પ્રાથમિક તપાસમાં ખુલાસા મુજબ, આરોપીઓ અમેરિકન નાગરિકોને ડરાવવા અને ફસાવવા માટે અમેરિકાની અગ્રણી સરકારી એજન્સીઓ જેમ કે ફેડરલ ટ્રેડ કમિશન (FTC) અને સાયબર સુરક્ષા એજન્સી CISAના અધિકારીઓ હોવાની ઓળખ આપતા હતા. તેઓ VoIP (Voice over Internet Protocol) ટેકનોલોજીનો ઉપયોગ કરીને નકલી કોલ દ્વારા અમેરિકનોને ફસાવતા હતા અને બેંક ખાતામાંથી રોકડ તેમજ સોનું પડાવતા હતા. આ સિન્ડિકેટ દ્વારા અત્યાર સુધીમાં US $ 7.21 મિલિયનથી વધુની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
