કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આગામી 26 અને 27 સપ્ટેમ્બરના રોજ પોરબંદર લોકસભા વિસ્તારના સઘન બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસના પ્રથમ દિવસે તેઓ ગોંડલ ખાતે આવેલા મહારાજાશ્રી ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશેષરૂપે યોજાનાર 'યુવા સંવાદ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને યુવાનો સાથે સંવાદ કરશે. ત્યારબાદ બપોરે 2:00 વાગ્યે તેઓ "ગોરસ" કાર્યાલયની મુલાકાત લઈને સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા-વિચારણા કરશે.

ખોડલધામ ધ્વજારોહણ અને આયુર્વેદ સંસ્થાનનું ભવ્ય ઉદ્ઘાટન

પ્રવાસના બીજા દિવસે એટલે કે 27 સપ્ટેમ્બરે સવારે 8:30 વાગ્યે ડૉ. મનસુખ માંડવિયા કાગવડ સ્થિત પ્રસિદ્ધ યાત્રાધામ ખોડલધામ ખાતે પહોંચીને ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણમાં સહભાગી થશે. ત્યારબાદ તેઓ અનિડા (ભાલોડી) ગામે આયુર્વેદ અને પંચકર્મ સંસ્થાનનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, બપોરના સત્રમાં ડૈયા, ત્રાકુડા અને આંબરડી ગામોમાં જઈને પ્રજાકીય ઉપયોગી વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેશે.

જાહેર સંવાદ, કાર્યકર્તા મિટિંગ અને ધાર્મિક સ્થળોની મુલાકાત

પ્રવાસના અંતિમ ચરણમાં તેઓ ખડવંથલી ગામ ખાતે સ્થાનિક ગ્રામજનો સાથે બેઠક યોજી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળશે. તેમજ કોલીથડ ખાતે જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ સાથે મહત્વની બેઠક યોજી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન આપશે. પ્રવાસના અંતે સાંજે 5:30 વાગ્યે તેઓ વાળધરી આશ્રમ અને શ્રી રામદેવપીર મંદિરની મુલાકાત લઈને સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને પોતાના આ બે દિવસીય પ્રવાસની પૂર્ણાહુતિ કરશે.

આ પણ વાંચો : Bhavnagarમાં CM ભૂપેન્દ્ર પટેલનો સહજ અને લાગણીસભર અંદાજ, કાર્યક્રમમાં રડતા બાળકને જોઈ પોલીસને રોકી પછી...