અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ ઓઢવ સર્કલ પાસેના નિર્મિત સ્ક્વેરમાં આવેલી SHR નેચરલ સ્પામાં ક્રાઈમ બ્રાન્ચે સફળ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્પાની આડમાં ચાલતા મેફેડ્રોન ડ્રગ્સના કારોબારનો ખુલાસો કરીને 23 વર્ષીય આરોપી પીરારામ લીલારામ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી અને દુકાનમાંથી અંદાજે રૂ. 6.38 લાખની કિંમતનું 212.900 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

વજનકાંટો, જીપર બેગ સહિત રૂ.6.48 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

દરોડા દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે માત્ર ડ્રગ્સ જ નહીં પરંતુ ડ્રગ્સના વેચાણમાં વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં બે મોબાઈલ ફોન, ડિજિટલ વજનકાંટો અને ડ્રગ્સનું પેકિંગ કરવા માટે રાખેલી 73 ખાલી જીપર બેગ મળી આવી છે. પોલીસે કુલ રૂ. 6.48 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) દ્વારા કરાયેલા પ્રાથમિક પરીક્ષણમાં જપ્ત કરાયેલ બ્રાઉન પાવડર જેવો પદાર્થ કાયદેસર રીતે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું પુરવાર થયું હતું.

વોન્ટેડ રમેશ માળી સહિત સામે NDPS હેઠળ ગુનો

પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપી પીરારામ ચૌધરીએ કબૂલાત કરી હતી કે આ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેને રમેશ જગદિશકુમાર માળીએ કમિશન પર વેચવા માટે આપ્યો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પીરારામ ચૌધરી અને મુખ્ય સપ્લાયર એવા વોન્ટેડ રમેશ માળી સહિત અન્ય સાગરીતો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચે હવે વોન્ટેડ રમેશ માળીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Vadodara News: રેસિડેન્ટ ડૉક્ટરોની ફરિયાદ બાદ સાઇકાઇટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસરની તાત્કાલિક બદલી