અમદાવાદની ESIC મોડલ જનરલ હોસ્પિટલમાં કરાર આધારિત નોકરી અપાવવાના નામે ચાલતા કથિત લાંચકાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. પેરા મેડિકલ સ્ટાફની ભરતીમાં ઉમેદવારો પાસેથી તેમના 2 મહિનાના પગાર જેટલી રકમ લાંચ તરીકે માંગવામાં આવતી હોવાનો આક્ષેપ છે. ACBએ વટવા GIDCમાં ડિકોય ટ્રેપ ગોઠવી રૂ.95 હજારની લાંચ લેતા 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
46 લોકો પાસેથી રૂ.21.57 લાખ પડાવ્યાનો ખુલાસો
ACBની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓએ 46 લોકો પાસેથી લાંચ પેટે કુલ રૂ.21,57,900 જેટલી રકમ મેળવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂ.21 લાખથી વધુની રોકડ પણ કબજે કરવામાં આવી છે.
કોણ હતા લાંચના ‘મિડલમેન’?
આ કેસમાં પ્રમોદ પાંડે, પંકજ મિશ્રા, રાજીવ શુક્લા અને જયેશ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. હોસ્પિટલમાં કરાર આધારિત ભરતી માટે દિલ્હી સ્થિત સિક્યોરશિલ્ડ સિક્યુરિટી સર્વિસ પ્રા. લિ.ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પ્રમોદ પાંડે અને પંકજ મિશ્રા આ કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે.
વટવા ઓફિસમાં ઉમેદવારોને બોલાવાતા હતા
મળતી માહિતી મુજબ 5 સપ્ટેમ્બરે પ્રમોદ પાંડે અને પંકજ મિશ્રા અમદાવાદ આવ્યા હતા. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોને વટવા GIDC સ્થિત ઓફિસમાં બોલાવવામાં આવતા હતા. ત્યાં રાજીવ શુક્લા અને જયેશ ચૌધરી ઉમેદવારો પાસે મોબાઇલ કે અન્ય ઉપકરણો છે કે કેમ તેની તપાસ કરતા હતા અને ત્યારબાદ તેમને પ્રમોદ પાંડે તથા પંકજ મિશ્રા પાસે મોકલવામાં આવતા હતા.
2 મહિનાના પગાર જેટલી લાંચનો કથિત ખેલ
આરોપીઓ જે હોદ્દા માટે ઉમેદવાર નોકરી મેળવવા માંગતો હોય તેના 2 મહિનાના પગાર જેટલી રકમ લાંચ તરીકે માંગતા હોવાનો આક્ષેપ છે. ACBને આ અંગે માહિતી મળ્યા બાદ ડિકોય ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો અને રૂ.95 હજારની લાંચ સ્વીકારતા ચારેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
બચાવ માટે પહેલા જ કરાવતા હતા ‘લાંચ નથી આપી’નું લખાણ
તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આરોપીઓ પોતાના બચાવ માટે ઉમેદવારો પાસેથી અગાઉથી એવા ફોર્મ પર સહી કરાવતા હતા જેમાં તેમણે કોઈ લાંચ ચૂકવી નથી તેવું લખાણ કરાવવામાં આવતું હતું. આ રીતે કથિત લાંચના વ્યવહારને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે.
70 જગ્યાની ભરતી, હવે તપાસનો વ્યાપ વધ્યો
બાપુનગર સ્થિત ESIC હોસ્પિટલમાં અલગ-અલગ વિભાગોમાં કુલ 70 જગ્યાઓ માટે ભરતી થવાની હતી. આ ભરતી પ્રક્રિયામાંથી અત્યાર સુધી 46 ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા લેવાયા હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે. ACBએ ઓફિસ અને હોટલમાં તપાસ કરી રોકડ કબજે કરી છે. હવે આ સમગ્ર કથિત લાંચકાંડમાં અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારીની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Malaysia : 72 વર્ષના ફૂટબોલ દિગ્ગજે 20 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, તસવીરો વાયરલ થતાં પરિવારે કરી પુષ્ટિ