મલેશિયન ફૂટબોલના દિગ્ગજ અને પૂર્વ હરિમાઉ મલાયા સ્ટાર દાતુક અબ્દુલ અલિફે 72 વર્ષની ઉંમરે પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો વાયરલ થયા બાદ તેમના પરિવારે લગ્નની સત્તાવાર પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ 27 ઓગસ્ટે યોજાયેલા ખાનગી સમારંભમાં અબ્દુલ અલિફે પોતાની જીવનસંગિની સાથે નિકાહ કર્યા હતા. તેમની પત્નીની ઉંમર 20 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

લગ્નની ખબર કોણે કરી કન્ફર્મ?

અબ્દુલ અલિફના નાના ભાઈ અને પૂર્વ ખેલાડી તથા કોચ દાતુક યુનુસ અલિફે લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે 27 ઓગસ્ટે બંનેના લગ્ન થયા હતા અને બંને પરિવારોની સંમતિ તથા આશીર્વાદ સાથે આ સંબંધ બંધાયો છે. પરિવાર દ્વારા નવદંપતીના સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

ફોન નહીં ઉઠાવતા ભાઈએ શું કહ્યું?

લગ્ન બાદ અબ્દુલ અલિફ મીડિયા સંપર્કમાં ન આવતા તેમના ભાઈ યુનુસ અલિફે જણાવ્યું હતું કે તેઓ સંભવતઃ હનીમૂન પર હોવાથી ફોનનો જવાબ આપી શકતા નથી.જોકે પરિવારે સ્પષ્ટ કર્યું છે કે બંનેના નિકાહ થઈ ચૂક્યા છે અને પરિવાર તરફથી બંનેને શુભકામનાઓ આપવામાં આવી છે.

મલેશિયન ફૂટબોલના દિગ્ગજ રહ્યા છે અબ્દુલ અલિફ

અબ્દુલ અલિફ મલેશિયન ફૂટબોલ ઇતિહાસના જાણીતાં ખેલાડીઓમાં સામેલ રહ્યા છે. 1970ના અંતિમ વર્ષો અને 1980ના શરૂઆતના સમયમાં મલેશિયન ફૂટબોલના સફળ સમયગાળામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.તેઓ તે મલેશિયન ટીમના સભ્ય હતા જેણે ક્વોલિફાઇંગ મેચમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવી 1980ના મોસ્કો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું.

ઓલિમ્પિક રમવાનું સપનું કેમ અધૂરું રહ્યું?

મલેશિયાએ સોવિયેત સંઘના અફઘાનિસ્તાન પરના આક્રમણના વિરોધમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકનો બહિષ્કાર કર્યો હતો. જેના કારણે અબ્દુલ અલિફ સહિત અનેક ખેલાડીઓનું ઓલિમ્પિકમાં રમવાનું સપનું અધૂરું રહી ગયું હતું. લાંબા સમય સુધી વ્યાવસાયિક ફૂટબોલ અને મીડિયા લાઇમલાઇટથી દૂર રહ્યા બાદ આ દિગ્ગજ ખેલાડી હવે પોતાના અંગત જીવનના નવા નિર્ણયને કારણે ફરી ચર્ચામાં આવ્યા છે. 


  આ પણ વાંચો  :    Sandesh Digital Explainer: ગુજરાતમાં એક વર્ષમાં 1,999 મોત, પાણીમાં એવું શું છે જે લોકોને ખેંચી રહ્યું છે મોત તરફ?