જો તમને પણ બહાર ફાસ્ટફૂડ સાથે લાલચટક કેચઅપ (ટોમેટો સોસ) ખાવાનો શોખ હોય, તો આ અહેવાલ તમારા હોશ ઉડાડી દેશે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા એક એસ્ટેટ પર અચાનક સઘન દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન જે હકીકત સામે આવી તેણે અધિકારીઓને પણ ચોંકાવી દીધા હતા. ફાસ્ટફૂડમાં વપરાતું જે લાલ રંગનું કેચઅપ આપણે ખાઈએ છીએ, તે અસલમાં ટમેટાનું નહીં પરંતુ કેમિકલ અને બટાટાના માવાથી તૈયાર થતું ખતરનાક ‘ટચઅપ’ હોવાનું બહાર આવ્યું છે.

બટાટાનો પલ્પ, આર્ટિફિશિયલ કલર અને એસિડિક એસિડ

આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે આ કારખાનામાં એક પણ ટમેટાનો ઉપયોગ કરવામાં આવતો નહોતો. તેના બદલે બટેટાનો પલ્પ, સ્ટાર્ચ, હાનિકારક કલર અને એસિડિક એસિડ મિક્ષ કરીને આખો જથ્થો તૈયાર કરવામાં આવતો હતો. છેલ્લા 3 મહિનાથી ચાલી રહેલી બાતમી અને સઘન તપાસના અંતે આરોગ્ય ટીમને આ સાચું એડ્રેસ મળ્યું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 2 ટન જેટલો શંકાસ્પદ અને અખાદ્ય લાગતો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોગ્ય અધિકારીઓએ તમામ મટીરિયલના સેમ્પલ કલેક્ટ કરીને સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ બાદ તે ખાવાલાયક છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ થશે.

વેપારીનો બેજવાબદાર દાવો

આટલી મોટી અનિયમિતતા પકડાયા બાદ પણ વેપારી પોતાની સફાઈ આપતા નજરે પડ્યા હતા. વેપારીએ દાવો કર્યો હતો કે તેઓ FSSAI ની ગાઈડલાઈન મુજબ જ પ્રોડક્ટ બનાવે છે અને બજારમાં વેચાતી અન્ય મોટી અને નામાંકિત કંપનીઓ પણ સોસ બનાવવા માટે આ જ પદ્ધતિનો ઉપયોગ કરતી હોવાથી એસિડિક એસિડનો ઉપયોગ સામાન્ય છે. જોકે, તંત્ર દ્વારા વેપારીના આ દાવાને નકારી કાઢવામાં આવ્યો છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ કડક દંડાત્મક અને ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચો : Kheda News : ખેડામાં નવઘણની બેફામ દાદાગીરી, LCBની હાજરીમાં જ મીડિયા સામે કર્યા કથિત હલકાઈભર્યા ચાળા...!