અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મહિલા પોલીસ કર્મચારી સાથે શેર માર્કેટમાં રોકાણ અને લગ્નની લાલચ આપીને રૂ.17 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. આ મામલે પાટણના માજીદખાન સીકંદરખાન ચૌહાણ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતના વિવિધ મુદ્દાઓમાં તપાસ શરૂ કરી છે.
Exness Go એપથી રોકાણ કરાવ્યું
ફરિયાદ મુજબ આરોપીએ શેર માર્કેટમાં સારો નફો અપાવવાની વાત કરીને મહિલા પોલીસ કર્મચારીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ Exness Go એપ્લિકેશન મારફતે શેર માર્કેટમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં મહિલાએ રૂ.6.35 લાખનું રોકાણ કર્યું હતું. બાદમાં વધુ નફાની લાલચ આપી ક્રેડિટ કાર્ડ અને લોન મારફતે પણ મોટી રકમનું રોકાણ કરાવવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
લોન અને રોકડ સહિત રૂ.17 લાખ આપ્યાનો આરોપ
વધુ રોકાણના નામે મહિલાને ક્રેડિટ કાર્ડ અને લોન મારફતે રૂ.7.50 લાખ અપાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એક્સિસ બેંકમાંથી પર્સનલ લોનની રકમમાંથી રૂ.9.50 લાખ રોકડા ઉપાડી આરોપીને શેર માર્કેટમાં રોકાણ માટે આપવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. ફરિયાદ મુજબ કુલ મળીને અંદાજે રૂ.17 લાખ આરોપીને આપવામાં આવ્યા હતા.
લગ્નનું વચન આપી વિશ્વાસ જીત્યો
ફરિયાદમાં આરોપી પર લગ્ન કરવાની વાત કરીને મહિલાનો વિશ્વાસ જીતવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીએ મહિલાને નોકરીમાંથી રાજીનામું આપી સાથે રહેવા અને લગ્ન કરવા માટે કહ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મહિલાનો આરોપ છે કે કારમાં તેમજ ગોમતીપુર વિસ્તારમાં આવેલા તેના ભાડાના મકાનમાં આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
આરોપી પહેલેથી પરિણીત હોવાનું સામે આવ્યું
બાદમાં મહિલાને આરોપી અગાઉથી પરિણીત હોવાની માહિતી મળી હતી. પાટણ ખાતે તપાસ કરતાં આરોપીના અગાઉથી લગ્ન થયેલા હોવાની અને સંતાન હોવાની જાણકારી મહિલાને મળી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. લગ્નની વાતને લઈને બંને વચ્ચે અવારનવાર ચર્ચા થતી હોવાનું પણ સામે આવ્યું છે.
મોબાઇલ ઝૂંટવી તોડી નાખ્યાનો આરોપ
ફરિયાદ મુજબ મે 2026માં કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન ખાતે આરોપીએ મહિલાનો મોબાઇલ ઝૂંટવી જમીન પર પછાડીને તોડી નાખ્યો હતો. મોબાઇલનો ડેટા ડિલીટ કરી નાખવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. ત્યારબાદ મોબાઇલના બદલામાં રૂ.75 હજાર ફોનપે મારફતે આપવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફોન અને મેસેજનો જવાબ આપવાનું બંધ કર્યું
મહિલાનો આરોપ છે કે બાદમાં આરોપીએ ફોન ઉપાડવાનું અને મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. સમગ્ર ઘટનાક્રમ બાદ મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી છેતરપિંડી, વિશ્વાસઘાત, જાતિ આધારિત અપમાન તથા અન્ય સંબંધિત મુદ્દાઓની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ