અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. રથયાત્રાના તહેવાર પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત ATS એ એક ઓપરેશન હાથ ધરીને પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી 5 શકમંદોની અટકાયત કરી છે. રથયાત્રાના સંવેદનશીલ સમયગાળા વચ્ચે આ અટકાયત થતાં સુરક્ષા તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.
જૈશ-એ-મોહમ્મદ સાથે કનેક્શન હોવાની આશંકા
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, એટીએસને આશંકા છે કે પકડાયેલા આ પાંચેય શકમંદો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' (JeM) સાથે કનેક્શન ધરાવે છે અને ટેરર નેટવર્ક સાથે સક્રિય રીતે જોડાયેલા છે. સુરક્ષા એજન્સી દ્વારા હાલ તમામ પાંચેય શકમંદોની પૂછપરછ અને તેમની ગતિવિધિઓ અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં 8 ખતરનાક આતંકવાદી પકડાયા હતા
ઉલ્લેખનીય છે કે, આ ઓપરેશન પૂર્વે પણ ગુજરાત એટીએસ દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 8 ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમની હાલ કસ્ટડી હેઠળ પૂછપરછ ચાલી રહી છે. અગાઉ પકડાયેલા આ 8 આતંકીઓની તપાસ અને સઘન પૂછપરછ દરમિયાન જ આ 5 નવા શકમંદોના નામ અને કડીઓ પોલીસના હાથે લાગી હોવાનું માનવામાં આવે છે.
યાત્રા પૂર્વે જ એટીએસને સફળતા
ગુજરાત એટીએસ આ સમગ્ર મામલે પકડાયેલા શખ્સો પાસેથી વધુ નેટવર્ક વિશેની વિગતો ઓકાવવા મથી રહી છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, આ પૂછપરછ દરમિયાન ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. રથયાત્રા પૂર્વે જ એટીએસના આ ઓપરેશને ગુજરાતને કોઈ મોટી આફતમાંથી ઉગાર્યું હોય તેમ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!