અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં કોમર્શિયલ બિલ્ડિંગની ટેરેસ પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ગેસ સિલિન્ડરમાં આગ લાગ્યા બાદ ધુમાડો અને આગ ફાટી નીકળી હતી. જોકે ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સોનાનું કામ કરતી બિલ્ડિંગમાં લાગી આગ
માણેકચોકની ઘાંચીની પોળમાં આવેલી 3 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં સોનાનું કામકાજ થતું હોવાનું સામે આવ્યું છે. બિલ્ડિંગના ધાબા પર આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ધાબા પર હતા 3 ગેસ સિલિન્ડર
ઘટના સમયે બિલ્ડિંગના ધાબા પર કુલ 3 ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સદનસીબે માત્ર 1 સિલિન્ડરમાં આગ લાગી હતી અને અન્ય 2 સિલિન્ડર સુધી આગ પહોંચે તે પહેલાં જ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો આગ અન્ય સિલિન્ડરો સુધી પહોંચી હોત તો મોટી દુર્ઘટનાની શક્યતા સર્જાઈ શકતી હતી.
6 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. સાંકડી ગલીઓના કારણે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બિલ્ડિંગના ધાબા પર આટલા ગેસ સિલિન્ડર કેમ?
હવે સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે કોમર્શિયલ બિલ્ડિંગના ધાબા પર એકસાથે 3 ગેસ સિલિન્ડર શા માટે રાખવામાં આવ્યા હતા? આ સિલિન્ડરોનો ઉપયોગ કયા કામ માટે થતો હતો અને સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સાંકડી પોળ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ ફરી એકવાર ફાયર સેફ્ટી અને ગેસ સિલિન્ડરની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Nepal Flood : મોત નીચે, ઉપર જોખમ... ભયાનક પૂરમાં મહિલા પાયલોટ પ્રિયા અધિકારીએ બચાવ્યા સેંકડો જીવ