અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલા ગાંધીનગર ટેકરા ખાતે ભીમસિંઘની ચાલીમાંથી યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, નરેશ ચૌહાણ નામના યુવકની તેના સગા ભાઈ રાજુ રતિલાલ ચૌહાણે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

દારૂ પીને ઘરે ઝઘડા કરતો હોવાની પ્રાથમિક માહિતી

મળતી માહિતી મુજબ, મૃતક નરેશ ચૌહાણ વારંવાર દારૂ પીને ઘરે આવતો હતો અને પરિવારજનો સાથે ઝઘડા તેમજ ગાળાગાળી કરતો હતો. આ બાબતે બંને ભાઈઓ વચ્ચે અવારનવાર વિવાદ થતો હોવાની વિગતો સામે આવી છે.

આવેશમાં આવી ભાઈએ જ હત્યા કરી

પ્રાથમિક વિગતો પ્રમાણે, ઘરેલુ ઝઘડા દરમિયાન રાજુ ચૌહાણે આવેશમાં આવીને પોતાના સગા ભાઈ નરેશ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નરેશનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યામાં કઈ વસ્તુનો ઉપયોગ થયો અને ચોક્કસ ઘટનાક્રમ શું હતો તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડ્યો

ઘટનાની જાણ થતાં વાડજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાજુ રતિલાલ ચૌહાણની અટકાયત કરી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ

વાડજ પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસની તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ઘટનાની વધુ વિગતો સ્પષ્ટ થશે. 


આ પણ વાંચો    :    Vav-Tharad : શું ગુજ્જુ લવ ગુરુને મોતનો આભાસ થઇ ગયો હતો...? અકસ્માતના 3 કલાક પહેલા તેમણે બોલેલા શબ્દો વાયરલ, Video