અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાંથી બિલ્ડરની દાદાગીરી અને આતંકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોપલના જાણીતા બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા સામે દારૂના નશામાં ધૂત થઈને પોતાની જ કંપનીના કર્મચારી પર હુમલો કરવાનો અને તેને ઢોર માર મારવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે ફરિયાદ નોંધાતા જ બોપલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે.

મહાદેવ ગ્લોરીના RMC પ્લાન્ટમાં હુમલો

મળતી વિગતો અનુસાર, આ સમગ્ર ઘટના બોપલમાં આવેલા મહાદેવ ગ્લોરીના RMC (રેડી મિક્સ કોંક્રીટ) પ્લાન્ટ ખાતે બની હતી. આક્ષેપ છે કે બિલ્ડરે શરબત કે અન્ય નશાકારક પ્રવાહીના નશામાં પ્લાન્ટ પર પહોંચીને ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી. પોતાનો ગુનો પુરાવા તરીકે કેદ ન થાય તે માટે બિલ્ડર અને તેના માણસોએ પ્લાન્ટમાં લાગેલા CCTV કેમેરા ઢાંકી દીધા હતા અને ત્યારબાદ કર્મચારી પર હિંસક હુમલો કર્યો હતો.

બોપલ પોલીસે હાથ ધરી કડક તપાસ

મારપીટ દરમિયાન બિલ્ડર દ્વારા પ્લાન્ટ પર હાજર અન્ય કર્મચારીઓને પણ ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પીડિત કર્મચારીઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બોપલ પોલીસે બિલ્ડર સામે મારામારી, ધાકધમકી અને પ્રોહિબિશન (દારૂબંધી ભંગ) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચો : Surendranagarના વસ્તડી ગામે ગેરકાયદે ફ્યુઅલ પંપ પર દરોડા, તંત્રએ 1,240 લીટર HVO ફ્યુઅલનો જથ્થો કર્યો સીઝ