અમદાવાદ શહેરના સુરક્ષિત ગણાતા વિસ્તારોમાં પણ હવે ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા આનંદનગર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની માલમત્તા ચોરી લીધી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. બંધ મકાનને નિશાન બનાવીને ચોરોએ અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલો કીમતી સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.
8.50 લાખ રોકડ અને 2.50 લાખના દાગીના મળી કુલ રૂ. 11 લાખની ચોરી
ફરિયાદી અને મકાનમાલિક ઘનશ્યામભાઈ દાયમા પોતાના પરિવાર સાથે કોઈ કામસર વતન કે ગામડે ગયા હતા. પરિવાર ઘર બંધ કરીને બહાર ગયો હોવાનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ હાથફેરો કર્યો હતો. મકાનમાલિક પરત ફરતા ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં રૂ. 8.50 લાખની રોકડ રકમ તેમજ અંદાજે રૂ. 2.50 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના મળીને કુલ અંદાજે રૂ. 11 લાખથી વધુની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.
