અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાંથી સિનિયર સિટીઝન (વૃદ્ધ દંપતી) ની લાચારીનો ગેરલાભ ઉઠાવી તેમનો કિંમતી ફ્લેટ હડપ કરી લેવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોટેરા ખાતે આવેલો અંદાજે રૂ. 60 લાખ ની કિંમતનો ફ્લેટ ભાડે આપ્યા બાદ ભાડૂઆતોએ દાદાગીરી કરી મિલકત પચાવી પાડી હોવાનો સંગીન આક્ષેપ થયો છે. આ મામલે કલેક્ટર કચેરીની કમિટી સમક્ષ રજૂઆત બાદ 4 ભાડૂઆતો સામે કડક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રૂ. 5.85 લાખનું ભાડું બાકી અને રૂ. 4.68 લાખના ફર્નિચરનું કર્યું નુકસાન

પ્રાપ્ત વિગતો અનુસાર, વૃદ્ધ દંપતી દ્વારા પોતાનો ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હતો. ભાડા કરારની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ભાડૂઆતોએ ફ્લેટ ખાલી કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ ઉપરાંત, ભાડૂઆતો પાસે અંદાજે રૂ. 5.85 લાખનું ભાડું બાકી નીકળતું હોવાનો અને ફ્લેટમાં રહેલા મોંઘા ફર્નિચરને રૂ. 4.68 લાખનું ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરાયો છે. જ્યારે દંપતી પોતાનો મકાનનો કબ્જો માંગવા ગયું ત્યારે ભાડૂઆતોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

કલેક્ટરના આદેશ બાદ ચાંદખેડા પોલીસની કાર્યવાહી, તપાસ તેજ

વૃદ્ધ દંપતીએ આ બાબતે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ સમિતિ સમક્ષ સત્તાવાર અરજી કરી હતી. કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી કાયદાકીય કાર્યવાહીના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. કલેક્ટરના હુકમ બાદ ચાંદખેડા પોલીસે ચારેય ભાડૂઆતો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની અટકાયત અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ, રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે શેકાતો તાપ!