ગુજરાતમાં હાલ ઋતુસંધિનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં મિશ્ર ઋતુની અસર વર્તાશે. લોકોને સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે, જેના કારણે ઠંડીના પ્રમાણમાં ક્રમશઃ વધારો થશે.
હાલ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી રહેશે
હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે. વાતાવરણમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. આ પવનોના કારણે વહેલી સવારે વાતાવરણમાં ભેજ અને સામાન્ય ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. જોકે, બપોરના સમયે તાપમાન ઊંચું રહેતાં બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે.
