રાજ્યમાં નશાબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે એક મોટી સફળતા હાસિલ કરી છે. રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મીનારા મુવાડા/મીઠાના મુવાડા પાસે ગુપ્ત બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે સચોટ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહેલો ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેનાથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
3,959 દારૂની બોટલો અને વાહન મળી રૂ. 36.15 લાખનો મુદ્દામાલ જપ્ત
SMC ની ટીમે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને સ્થળ પરથી દારૂની નાના-મોટી કુલ 3,959 બોટલો કબ્જે કરી હતી. દારૂનો જથ્થો અને તેની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો સહિત કુલ રૂ. 36.15 લાખ નો માતબર મુદ્દામાલ સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવ્યો છે. દારૂનો આટલો મોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
