અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ચીફ ફાયર ઓફિસર (CFO) અમિત ડોંગરે સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની કાર્યવાહી બાદ મનપા તંત્રે તેમને સેવામાંથી ટર્મિનેટ કરી દીધા છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાના બદલામાં રૂ. 36,000ની લાંચ માંગવા અંગે ACBને ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ગોઠવાયેલા છટકામાં CFO અમિત ડોંગરે અને તેમના વચેટીયા/સાગરીત ભાવસિંહ ઝાલા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગેરરીતિ સામે ઝીરો ટોલરન્સ નીતિ દાખવી અમદાવાદ મનપાએ આ કડક નિર્ણય લીધો છે.
ઘરેથી લાખોની રોકડ અને લોકર ફ્રીઝ
ACBના નાયબ નિયામકના જણાવ્યા અનુસાર, લાંચ કેસમાં પકડાયા બાદ હાથ ધરવામાં આવેલી સર્ચ કામગીરી દરમિયાન અમિત ડોંગરેના ઘરેથી લાખો રૂપિયાની શંકાસ્પદ રોકડ રકમ મળી આવી છે. આ ઉપરાંત તેમના બેંક લોકરો પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જ આટલી મોટી અપ્રમાણસર મિલકત સામે આવતા ACB હવે તેમની તમામ સંપત્તિ અને ભૂતકાળના વહીવટોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
