અમદાવાદ શહેરમાં જાણીતા સાહિત્યકાર અને લેખક કાજલ ઓઝા વૈદ્ય સાથે બનેલી સ્નેચિંગની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ઝોન 6ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ ઘટનામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચાલુ રિક્ષામાંથી ગુનો આચરી ફરાર થઈ ગયેલા સ્નેચરોને પકડી પાડીને પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ સફળતાપૂર્વક રિકવર કરી લીધો છે.

ચાલુ રિક્ષામાંથી પર્સ અને મોબાઈલ ઝૂંટવ્યો

પોલીસ તપાસમાં બહાર આવેલા તથ્યો મુજબ, કાજલ ઓઝા વૈદ્ય જ્યારે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક બાઇક પર આવેલા બે શખ્સોએ ચાલુ રિક્ષામાંથી તેમનું પર્સ અને મોબાઈલ ફોન આંચકી લીધો હતો અને ફરાર થઈ ગયા હતા. શાતિર આરોપીઓએ આ ગુનો આચરવા માટે પોતાના મિત્રનું વાહન માગ્યું હતું, જેથી તેઓ પોલીસની પકડથી બચી શકે. જોકે, LCB ઝોન 6ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી કડી મેળવી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓ હિસ્ટ્રીશીટર

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને સ્નેચરો રીઢા ગુનેગારો છે અને અગાઉ પણ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા ગુનાઓમાં સંડોવાયેલા રહ્યા છે. આ અગાઉ પણ તેઓ ચોરી અને સ્નેચિંગ જેવા ગુનાઓ હેઠળ સુરત જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ તેમની ગુનાહિત માનસિકતા બદલાઈ ન હતી અને તેમણે અમદાવાદમાં ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. હાલ પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યવસાયનો પર્દાફાશ, SG હાઈવેના 4 સ્પા પર SMCના દરોડા