અમદાવાદ શહેરના પોશ ગણાતા SG હાઈવે પર સ્પાની આડમાં ચાલતા દેહવ્યવસાયના ગેરકાયદેસર ધંધા પર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)એ લાલઆંખ કરી છે. SMCની ટીમે બોડકદેવ, વસ્ત્રાપુર અને સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુલ 4 સ્પામાં એકસાથે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન સ્પાની આડમાં ચાલતી વેશ્યાવૃત્તિની પ્રવૃત્તિનો ખુલાસો થયો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચારેય સ્પામાંથી રૂ. 5,29,870નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિકિંગ (પ્રિવેન્શન) એક્ટ તથા BNSની વિવિધ કલમો હેઠળ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બોડકદેવ અને સેટેલાઈટના સ્પામાં દરોડા
SMC દ્વારા કરવામાં આવેલી તબક્કાવાર કાર્યવાહીમાં બોડકદેવના "ધી ગેલેક્ષી સ્પા"માંથી મોબાઈલ, DVR, કોન્ડોમ અને રોકડ મળી રૂ. 1.26 લાખના મુદ્દામાલ સાથે ભાવિક વિઠલાપરા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. જ્યારે બોડકદેવના જ "બ્લોસમ સ્પા"માંથી રૂ. 71,870ના મુદ્દામાલ સાથે ભારતી દામાણી (રિસેપ્શનિસ્ટ) અને અંકિતકુમાર બાથમની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, સેટેલાઈટ વિસ્તારમાં આવેલા "A9 સ્પા" પર પડેલા દરોડામાં સૌથી વધુ રૂ. 2,36,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો, જેમાં સ્વાઈપ મશીન, વોકીટોકી અને કેશ કાઉન્ટર મશીન જેવી સામગ્રી શામેલ હતી. A9 સ્પામાંથી સંચાલક પ્રવીણ વોરા, મેનેજર નૈસાદ સિદ્દીકી અને નિશ્ચલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી.

વસ્ત્રાપુરમાં ગ્રાહકો સહિત 3 ઝડપાયા
વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા "ઓરાંજ સ્પા"માં પાડવામાં આવેલા દરોડા દરમિયાન SMCની ટીમે સ્પા મેનેજર રઘુવીરસિંહ રાજપૂત ઉપરાંત મજા માણવા આવેલા બે ગ્રાહકો - દેવીન દેસાઈ અને જયદેવ ડોડીયાને રૂ. 95,500ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર રેડ દરમિયાન SMC એ કુલ 9 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરી છે, જ્યારે 10 જેટલા મુખ્ય સૂત્રધારો અને સંચાલકોને વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ આરોપીઓમાં સ્પા માલિકો, મુખ્ય સંચાલકો અને મદદનીશોનો સમાવેશ થાય છે, જેમને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Rajkotના ચોરડી ગામે ગૌચર જમીન બચાવવા અનોખું આંદોલન: ખેડૂતોએ જેટકો કંપનીનું 'બેસણું' યોજી નોંધાવ્યો વિરોધ