અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા સુભાષબ્રિજ સર્કલ પાસે ટ્રાફિક બુથ નજીક રાત્રિના અઢી વાગ્યાના સુમારે રણછોડ ઉર્ફે અજય સાલ્વી નામનો યુવક ચા પી રહ્યો હતો. આ દરમિયાન તેના પર તલવાર, ધારિયા અને છરી જેવા ઘાતક હથિયારો વડે અચાનક તૂટી પડી ઉપરાછાપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓના કારણે અજય સાલ્વીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, 3 દિવસ અગાઉ થયેલી બબાલની જૂની અદાવત રાખીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ આ પૂર્વ આયોજિત કાવતરું ઘડી હત્યા આચરવામાં આવી હતી.

CCTV અને વાહનની વિગતોથી ઉકેલાયો ભેદ

હત્યા બાદ આરોપીઓના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે રાણીપ સર્વેલન્સ સ્ક્વોડ અને ઝોન-2 LCBની ટીમોએ તપાસ તેજ કરી હતી. ગુનામાં વપરાયેલા મહિન્દ્રા પીકઅપ ડાલા (નંબર RJ-27GF-3975) ની વિગતો મેળવતાં તે રાજસ્થાનના ઉદયપુરની પાયલ મારવાડીના નામે અને રાજેશ ઉર્ફે કાળીયો નાથુભાઈ મારવાડી પાસે હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં નાકાબંધી કરી પ્રાંતિજ તથા અડાલજ ટોલ નાકા પર ખાસ વોચ ગોઠવી હતી.

છત્રાલ GIDC માંથી આરોપીઓની અટકાયત

સીસીટીવી, ટેકનિકલ એનાલિસિસ અને ચોક્કસ બાતમીના આધારે પોલીસે છત્રાલ GIDC ના એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ ગોડાઉનમાંથી હત્યામાં સંડોવાયેલા આરોપીઓ તેમજ ગુનામાં વપરાયેલા પીકઅપ ડાલો અને હથિયારો મળી આવ્યા હતા. પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Bharuch News : આમોદમાં મોટી દુર્ઘટના, કરંટથી ગંભીર રીતે દાઝેલા કડિયાકામદારનું સારવાર દરમિયાન મોત