અમદાવાદ શહેરમાં ચાલુ ચોમાસાની સીઝનમાં amcની અનેક બેદરકારી સામે આવી છે જેના કારણે નિર્દોષનો ભોગ લેવાયો છે, ત્યારે નારોલમાં 2 દિવસ પહેલા વરસાદી પાણીમાં કરંટ લાગવાથી દંપતીના મોત મામલે ફરિયાદ નોંધાતા AMCના કર્મચારી સહિત 5 લોકો આવી ગયા છે પોલીસ સકંજામાં. નારોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


AMCનાં બે એન્જિનિયર અને કંપનીના માણસોની કરાઈ અટકાયત

થોડા સમય અગાઉ નારોલ વિસ્તારમાં રાત્રીના સમયે મટન ગલીમાં એક દંપતી પોતાના મોપેડ પર જઈ રહ્યું હતું ત્યારે રોડ પર ખાડા હતા અને તેમા વરસાદી પાણી ભરાયેલા હતા જેમાં વીજ કરંટ લાગવાના કારણે દંપતીનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ મામલે નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલમાં પોલીસે નિશાંત એન્ટર પ્રાઇઝ નામની કંપનીના કોન્ટ્રાકટર સૈયદ ઝહિર અને તેની કંપનીના 2 એન્જિનિયર અજય પરમાર અને નયન કાપડિયાની ધરપકડ કરી છે, તો AMCનાં બે એન્જિનિયર જીગ્નેશ ગામીત અને પંકજ મચ્છારની ધરપકડ કરી છે.

પોલીસે રિમાન્ડ મેળવવા કામગીરી શરૂ કરી છે

હાલમાં પોલીસે તમામની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બનાવ સમયે સ્ટ્રીટ પોલ પડેલી હાલતમાં હતો અને તેના વીજળીના વાયરો ખુલ્લા હતા, સ્ટ્રીટ પોલ રિપેર અને મેઈન્ટેનસની કામગીરી આ કંપનીને સોંપવામાં આવી હતી અને આ કંપની દ્વારા જે કામગીરી કરવાની હોય તેનું સુપરવિઝન કોર્પોરેશનના બંને એન્જિનિયર ને કરવાનું હોય છે તમામ બેદરકારી દાખવી હતી જેના કારણે દંપતીનું મોત થયું હોવાના કારણે પોલીસે ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે આ મામલે તમામને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી છે તો બીજી તરફ આ તમામ આરોપીઓ વિરૂદ્ધ પુરાવા એકત્ર કરવા પણ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ પ્રકારે જેટલી પણ જગ્યાએ મનપાના કર્મચારીઓ ની બેદરકારી છતી થઈ છે તેમાં ફરિયાદ નોંધવામાં આવે તો નિર્દોષોનાં જીવ બચી શકે.

  • Follow us on: