અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં વિઝાના નામે છેતરપિંડી આચરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગરના નીતીશ રાવલ અને તેના પુત્ર દેવ રાવલે મળીને ત્રણ નિર્દોષ લોકો પાસેથી કેનેડા અને ઓસ્ટ્રેલિયાના વર્ક તેમજ વિઝિટર વિઝા અપાવવાના બહાને કુલ રૂ.25 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. પિતા-પુત્રની આ જોડીએ કેનેડા મોકલવાના નામે ગૌતેશકુમાર નામના યુવક પાસેથી રૂ.6 લાખ અને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે જગદીશ પટેલ પાસેથી રૂ.9.50 લાખની રકમ ઉઘરાવી લીધી હતી.

ખોટી હવાઈ ટિકિટ અને બોગસ દસ્તાવેજો આપી કર્યા ગલ્લા-તલ્લા

આ ઠગ પિતા-પુત્રે વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને અન્ય વ્યક્તિ પાસેથી રૂ.10 લાખ પડાવ્યા હતા. શરૂઆતમાં વિઝિટર વિઝા કરાવીને બાદમાં તેને વર્ક પરમિટમાં કન્વર્ટ કરાવી આપવાની લાલચ આપી હતી. જોકે, લાંબો સમય વિતવા છતાં વિઝા ન મળતા જ્યારે અરજદારોએ ઉઘરાણી કરી ત્યારે તેમણે યુવકોના નામે ખોટી (બોગસ) એર ટિકિટો અને બોગસ દસ્તાવેજો પધરાવી દઈ સમય વિતાવવા માટે જાતજાતના ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા.

નરોડા પોલીસે પિતા-પુત્ર સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

સમગ્ર ઠગાઈનો ભોગ બનેલા પીડિતોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી નીતીશ રાવલ અને તેના પુત્ર દેવ રાવલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નરોડા પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને આગળની કાનૂની તપાસ હાથ ધરી છે અને આરોપી પિતા-પુત્રની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો : Rajkot News : માતાની દેખરેખ માટે રાખેલી મહિલા જ ઘરમાં હાથ સાફ કરી ગઈ, રૂ.13.45 લાખની કરી ચોરી