ડ્રગ્સના કેસમાં અમદાવાદની સેશન્સ કોર્ટે એક વિદેશી મહિલાને 20 વર્ષની સજા ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી કરતાં મુકાકીબીબી હાના નામની યુગાન્ડાની મહિલા ઝડપાઈ હતી. DRIએ અમદાવાદ એરપોર્ટથી આ મહિલાની ધરપકડ કરી હતી. મહિલા પાસે 868 ગ્રામની 79 ડ્રગ્સ કેપ્સુલ મળી હતી. આ મહિલાને બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વિદેશી મહિલા મુકાકીબીબી હાનાને 20 વર્ષની સજા
આ કેસની સુનાવણીમાં કોર્ટે નોંધ્યું હતું કે, દેશનું યુવાધન ડ્રગ્સના નશાના કારણે બરબાદી તરફ ધકેલાઈ રહ્યું છે. નશીલા પદાર્થોની હેરાફેરીમાં આ મહિલા સંકળાયેલી છે. આ મહિલાઓ પોતાના જીવને પણ જોખમમાં મુક્યો હતો. કોર્ટે આ મહિલાને 20 વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કોર્ટે એવો હુકમ પણ કર્યો હતો કે, કોર્ટનો આ હુકમ અમદાવાદ જિલ્લા કલેક્ટરને પણ મોકલી આપવામાં આવે.

DRIએ અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરી હતી
અમદાવાદ એરપોર્ટ પર યુગાન્ડાની એક મહિલા પોતાના પેટમાં હેરોઈન ભરેલી કેપ્શ્યૂલ લઈને આવતા ઝડપાઈ ગઈ હતી. તે શારજાહથી આવેલી ફ્લાઈટમાંથી ઝડપાઈ હતી. DRIના અધિકારીઓએ તેનું ચેકિંગ કરતાં તેની બેગમાંથી કશું જ શંકાસ્પદ મળ્યું નહોતુ. પરંતુ તેના પેટ પર વજન દેખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં તેનો એક્સરે કરતાં જ મામલો સામે આવ્યો હતો. ડોક્ટરોએ તેના પેટમાંથી 79 જેટલી કેપ્સ્યુલ્સ અને 869 ગ્રામ જેટલું હેરોઇન બહાર કાઢ્યું હતું.