અમદાવાદમાં ચોરી અને લૂંટ સહિતના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. પોલીસના પેટ્રોલિંગના દાવા સામે ગુનાખોરી વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં ડોક્ટરના ઘરમાંથી 1.47 કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા સેટેલાઈટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સ્થિત માણેકબાગ સોસાયટીમાં રહેતા એક ડોક્ટરના ઘરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. તહેવાર હોવાથી આ ડોક્ટર પરિવારજનો સાથે દુબઈ ફરવા માટે ગયા હતાં. મકાન બંધ હોવાથી તસ્કરો તેમાં ઘૂસ્યા હતાં અને લોકર તોડીને સોના ચાંદી અને રોકડ પર હાથફેરો કર્યો હતો. તસ્કરોએ 203.5 તોલા સોનાના દાગીના અને 45 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા હતાં. સેટેલાઈટ પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
